બંગાળી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ શ્રીલા મજૂમદારનું નિધન થઇ ગયુ છે. 65 વર્ષિય એક્ટ્રેસ ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેની સારવાર ચાલી રહી હતી, પણ તે કેન્સર સામે જંગ હારી ગઇ. શ્રીલા મજૂમદારે ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે મૃણાલ સેન, શ્યામ બેનેગલ અને પ્રકાશ ઝા જેવા ડાયરેક્ટર્સની ફિલ્મોમાં જોવા મળી અને તેમની ફેવરેટ પણ હતી. શ્રીલા મજૂમદારના નિધનથી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. પરિવારજનોને પણ આઘાત લાગ્યો છે.
પરિવારમાં હવે શ્રીલાના પતિ અને એક દીકરો છે. શ્રીલા મજૂમદારના પતિએ જણાવ્યુ કે તે છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી. જાન્યુઆરીની શરૂઆતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ પછી તેને ઘરે લાવી દેવાઇ હતી. શ્રીલાનું ઘરે જ શનિવારના રોજ 27 જાન્યુઆરીએ નિધન થઇ ગયુ. શ્રીલા 13થી20 જાન્યુઆરી સુધી ટાટા મેડિકલ કેન્સર સેંટર હોસ્પિટલમાં દાખલ હતી. તે પછી તેને ઘરે લાવવામાં આવી હતી.
શ્રીલાના પતિએ કહ્યુ કે તે છેલ્લે નવેમ્બરમાં બીમાર થઇ ગઇ હતી, તે સમયે તે ઘરે જ હતી. દીકરો સોહેલ આબ્દી તેના અભ્યાસને કારણે લંડનમાં રહે છે. માતાની શારીરિક સ્થિતિ ખરાબ થવાને કારણે તે દેશ પરત ફર્યો. જણાવી દઇએ કે, શ્રીલા મજૂમદારે 16 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તે શ્યામ બેનેગલની ફિલ્મ મંડી, પ્રકાશ ઝાની દામુલ અને ચોખમાં જોવા મળી.
તેણે કરિયમાં સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી જેવા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. તે છેલ્લી વાર મોટા પડદા પર કૌશિક ગંગોપાધ્યાયની ફિલ્મ પાલનમાં જોવા મળી હતી. તે છેલ્લીવાર ઓફ સ્ક્રીન ગત વર્ષે અલીપુર જેલ સંગ્રહાલયમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિજયા સંમેલન કાર્યક્રમમાં જોવા મળી હતી.
આ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ક્ષતિ છે. અમે તેમને હંમેશા યાદ કરીશું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. શ્રીલાને રિતુપર્ણો ઘોષની 2003માં આવેલ ફિલ્મ ‘ચોખેર બાલી’ (એ પેશન પ્લે)માં તેના સંવેદનશીલ અવાજના ડબિંગ માટે પણ ઓળખવામાં આવે છે, જે તેણે એશ્વર્યા રાય માટે ડબ કર્યુ હતુ.





